હું જ્યોતિષ નો એક વિદ્યાર્થી છું અને છેલ્લા લગભગ ૩૦ થી વધુ વર્ષો થી જ્યોતિષ ના વિવિધ પાસાઓ નો અભ્યાસ કરી રહ્યો છું. ભારતીય જ્યોતિષ જેને હવે આપણે વેદિક જ્યોતિષ પણ કહીએ છીએ - હું સન્માન કરુંછું અને સાથે સાથે તેમાં રહેલ તથ્યો ને તર્ક ની એરણ પર ચકાસુ છું. જ્યાં તાર્કિક આધાર ની ઉણપ વર્તાય ત્યાં તેનો સ્વીકાર કરવા નું મુલતવી રાખુછું.
આજ પર્યંત કૈક સેંકડો કુંડળી નો અભ્યાસ કરવાની મને તક મળી અને ભારતીય જ્યોતિષ ઉપરાંત વિવિધ ગૂઢ વિષયો જેવાકે ન્યુમરોલોજી, ફેસ રીડીંગ, ટેરોટ, ડીસ્ટન્ટ હિલિંગ, થિયોસોફી, રેકી, સંકલ્પ સિદ્ધિ, તંત્ર, ધ્યાન ની વિવિધ પદ્ધતિઓ, સુર્ય સાધના, તત્વ સાધનામાં હું ઘણો રસ ધરાવું છું. 
લાલકીતાબ ના સરળ ઉપાયો, પશ્ચ્યાત જ્યોતિષના પ્રોગ્રેસન તેમજ કૃષ્ણમૂર્તિ ની નક્ષત્ર જ્યોતિષ પદ્ધતિ વિષે મને ખાસ અહોભાવ છે. 
ઈન્ટરનેટ ઉપર મારી પોતાની જ્યોતિષની અંગ્રેજી વેબસાઈટ www.astrosage.asia ઉપરાંત  my astrology signs, expertall તથા ammas.com પર હું જ્યોતિષ સલાહ આપુછું તેમજ કાઉન્સિલ મેમ્બેર તરીકેની સેવા પણ આપતો રહ્યો છુ.  ezine, articlebase, bukisa વગેરે સાઈટ્સ ઉપર મારા આર્ટીકલ્સ પ્રકાશિત થતા રહે છે. 
જ્યોતિષ માર્ગદર્શન મારફત હું નિરાશ અને નાસીપાસ વ્યક્તિઓને તકલીફવાળા સમયને પસાર કરવા માં નિમિત્ત બની શકુછું તેનો મને આનંદ છે. 
જ્યોતિષ ઉપરાંત કોમ્પ્યુટર ગ્રાફિક્સ, આદ્યાત્મ, વાંચન વગેરે મારા શોખ છે. કર્મના સિદ્ધાંત માં મને શ્રદ્ધા હોવા છતાં જ્યોતિષ ઉપાયો કેવી રીતે કારગત નીવડે તે શોધતા રહેવું મને ગમે છે. પ્રારબ્ધના ભોગવટા ની સાથે ક્રિયમાણ કર્મની સ્વતંત્રતામાં હું શ્રી કૃષ્ણ ની ગીતા નો મર્મ સમજવા ગડમથલ કરતો રહુછું. 
જાત જાતના દુ:યોગો અને દોષોથી સામાન્ય માણસોને ડરાવતા જ્યોતિષીઓ વિષે મને ખાસ માન નથી. જ્યોતિષ ની અનેક ત્રુટીઓ છુપાવવાની વૃત્તિ નો હું આલોચક છું. જ્યોતીષીક તર્ક નહિ સમજી શકે તેવા લે-ભાગુ જ્યોતિષીઓ જ્યારે શાસ્ત્રોના સંસ્કૃત સૂત્રોની ઓથે છૂપાય ત્યારે મને તેમની દયા આવે છે.
યથા પિંડે તથા બ્રહ્માંડે સુત્ર મારું અંગત માર્ગદર્શન કરેછે. સમષ્ટિ ને હું એક સર્વ-સમાવિષ્ટ પ્રણાલી (cosmic system) તરીકે જોઉં છું અને તેમાં મારી જાતને એક અદની ઉપપ્રણાલી તરીકે ઓળખીને નિશ્ચિંત બની જીવું છું. આધ્યાત્મ માં ઊંડો રસ હોવા છતાં મને મોક્ષની ખેવના નથી. ઈશ્વર ને આપણી સૃષ્ટિ ના રચયિતા માનીએ તો પછી મોક્ષની ઈચ્છા કરવી એતો આ સર્વ શ્રેષ્ટ રચના પર આપણને મોકલવાની તેની અનુકંપાનું અપમાન કરવા બરાબર છે. 
આમ હું ઈશ્વરીય યોજનાનો દ્રઢ આસ્તિક છું અને જ્યોતિષ સલાહ લેવા આવનાર ને પણ ગુરુ, શની  જેવા ગ્રહ પિંડો કરતા તેમના સ્વ-પિંડ ની સાચી ઓળખ અને વિશેષ વિકાસ કરવા પ્રોત્સાહિત કરવાની મારી કોશિશ કાયમ રહે છે.
|| ઓમ તત્ સત્ ||   
- વિભૂતિગણેશ  -
VibhutiGanesh