જ્યોતિષી હોવાને નાતે અવાર-નવાર એકબીજા ને પોત પોતાની સ્થિતિ માટે ભાંડતા દંપતિઓ  મેં જોયા છે. તેમના લગ્ન જીવનથી તેઓને અનેક ફરિયાદો હોયછે. હકીકત તો એ છે કે જ્યોતિષ બતાવવા આવનાર ઘણેભાગે બધાને બીજાઓ થી ફરિયાદ હોય છે અને તેઓ તેમની પરિસ્થિતિ માટે અન્યને જ કોસતા હોય છે. પોતાના દોષ તરફ જોવા તેઓ કદી તૈયાર હોતા નથી. દરેક નો યક્ષ પ્રશ્ન એ જ હોય છે કે "મારી સાથે જ કાયમ આવું કેમ બને છે ?"  ' તે મારી લાગણી ની કેમ ઉપેક્ષા કરે છે?'  'અમારી કુંડળીઓ તો મેળવવામાં આવી હતી, તો પણ ? "
 
આવી પરિસ્થિતિ સમજવા માટે આપણે એ સમજવું પડશે કે એ કયા કારણ છે જે બે વ્યક્તિઓ ને પતિ-પત્ની ના સંબંધમાં બાંધે છે?
 
કોણ બનેછે વર-વહુ ?
 
સૌ પ્રથમ તો આપણે એ સમાજવું પડશે કે આખરે લાખો માણસોમાંથી કેમ કોઈ ચોક્કસ વ્યક્તિ જ વર કે વહુ બને છે ? ચાલુ જીન્દગી ના સ્તર ઉપર કારણો જે પણ હોય, ખરા કારણો તો કાર્મિક હોય છે. આપણા કર્મોની પાછળ રહેલા આપણા ઉદ્દેશો અને એષણાઓ માંથી વાસનાઓ બનેછે અને વાસનાઓ માંથી તે કર્મોના ફળ નું સર્જન થાય છે. 
 
જે કર્મોનાં ફળ કર્મ થયા પછી ટુક સમયમાં મળીજાય તેને ક્રિયમાણ કર્મ કહેવાય છે. પરંતુ કેટલાક કર્મો એવા હોયછે જેના ફળ પાકતા ખુબ લાંબો સમય લાગે. કર્મોનાં આવા ફળ ભેગા થાય ત્યારે તેને સંચિત કર્મ કહેવાય છે. આ સંચિત કર્મો માં સારા સુખપ્રદ ફળ પણ હોય અને દ:ખ દેનાર ફળ પણ હોય છે. જીવનનાં દરેક મુકામે આવા અનેક સંચિત કર્મ આપણા નામે જમા હોય છે. આ સંચિત કર્મો નાં ફાળો નાં ભોગવટા અર્થે જ આપણે જનમ લઈએ છીએ.
 
જ્યારે આપણે જીવન માં અન્ય વ્યક્તિઓ સાથે  સંપર્ક માં આવીએ છીએ ત્યારે અરસ-પરસનાં વ્યવહાર માંથી લેંણદેણની જાળ ગૂંથાય છે. આ લેંણદેણની ચુકવણી રોજ-બરોજ થતી રહે છે. પરંતુ જે તે જીવન દરમ્યાન આવી લેંણદેણ પૂરે-પૂરી ચૂકવાઈ જાય તેવું શક્ય હોતું નથી. એક જીવન સમાપ્ત થાય ત્યારે પણ ઘણી બધી લેંણદેણ બાકી જ હોય છે. આ બાકી લેંણદેણ ને ચૂકવવા માટે રચતા સંબંધ ને ઋણાનુંબંધન કહે છે. આવા સંચિત કર્મો ની સંખ્યા, જથ્થો અને તેની ગહેરાઈ ને આધારે બીજા જન્મમાં એક બીજાના સહ-પ્રવાસી, પડોશી, મિત્ર, સાથી કર્મચારી, ગુરુ-શિષ્ય, માબાપ-સંતતિ, સહોદર કે પતિ-પત્ની રૂપે આવીને સંચિત કર્મોનું ભોગાયતન થાય છે.  આમ વણચુકવાયેલ રુણના ખેંચાણથી લોકો એક બીજા ને આવી મળે છે.
 
આમ આપણા બધા સંબંધો કાર્મિક બંધનો હોય છે. તમે જે વ્યક્તિને અનુલક્ષીને જેવા વિચાર વાસના જન્માવ્યા હશે, પરસ્પર વ્યવહારથી બંને વચ્ચે જે ભાવના અને લાગણીઓ ઉભી કરી હશે તે પ્રમાણે ની ઘટનાઓ તમે અરસપરસ સાથે જીવીને અનુભવી શકો તેવા સંબંધ અને જીવનની તમે રચના પ્રતિપળ કરતા રહો છો. સુખ આપ્યું હશે તો સુખ અને દુખ આપ્યું હશે તો દુખનાં હિસાબ ચુકતે કરવા પડશે. આ બાકી હિસાબો ચૂકવવા માટેનું જે બંધન ઉભું થાય છે તેને ઋણાનુબંધ કહેવાય છે.
 
હવે તમે સમજી શકશો કે લગ્ન માટે કુંડલી મેળવીને વર કે વહુ શોધવાનું કેવું વાહિયાત છે. તમે તમારા લેણીયાત ને પસંદ કરી શકો નહિ તે તો લેણું વસુલ કરવા આવી જ પહોંચશે. જેની સાથે ઋણાનુબંધ ઉભા થયા છે તેની સાથે જ ભોગાયતન કરવું પડશે. તમે 'અ' સાથે લગ્ન કરો તો સુખી થાઓ અને ' બ ' સાથે લગ્ન કરો તો દુખી થાઓ તેવા સિલેક્શન ને અવકાશ જ નથી. 
 
કુંડળી મેળાપક બહુ બહુતો તમને જેની સાથે તમારું ઋણાનુબંધ છે તે વ્યક્તિ સુધી તમને પહોચાડવા માં નિમિત્ત જરૂર બની શકે.  
 
તમારા જીવન સાથી તો ઉત્ક્રાંતિ  નો એજન્ટ છે.
 
બીજા પરીપેક્ષથી જોઈએ તો જીવન એ 'જીવ માંથી શિવ બનવાની યાત્રા છે. જાણેકે એક તાલીમ શીબીર હોય તેમ આ યાત્રામાં મનોવૃત્તીઓની સંકીર્ણતા અને અહમ છોડી સમષ્ટિમાં એકરસ થવા માટે જરૂરી ગુણો વિકાસ પામે તેવા અનુભવો જીવ અન્ય જીવ સાથેના વ્યવહાર માંથી  મેળવે છે. આ રીતે જોઈએ તો તમારી રીસ, ગુસ્સો અને ગાળો ખાઈને પણ તમારા સાથી તમને તો વિકાસ યાત્રામાં ઉપયોગી અનુભવની બક્ષીશ જ આપેછે. તમારે તો તેમના આભારી થવું જોઈએ. પરંતુ આ સમજના અભાવે આપણે પરેશાન થઈએ છીએ અને બીજાને પણ પરેશાન કરીએ છીએ. ઋણાનુબંધ ની ચુકવણી ની કુશળતા નહિ સમજી શકવાથી આપણે એવા વધારાના કર્મો રીએકશન રૂપે કરી બેસીએ છીએ જે આપણા માટે વધુ કપરા સ્વરૂપના કાર્મિક ઋણાનુબંધ ઉભા કરે છે.
 
તમારી કુંડળીમાં બધું  તમારા પોતાનું છે.
 
દરેક બાળક ની કુંડલી માં તેના જીવનની બધી બાબતો જોવાનું પ્રાવધાન છે જેમ કે તે કેવો અભ્યાસ કરશે? તેને મકાન વાહનનું સુખ કેવું મળશે? તેનું શરીર આરોગ્ય કેવું થશે?  આબધુ માત્ર તેની પોતાની કુંડળીમાના ગ્રહયોગો દ્વારા જ જોવામાં આવે છે. તેની કુંડળી સાથે બીજાની કુંડળી જોવાની કોઈ પ્રથા કે રીવાજ નથી.  તે સારૂ ભણી શકે તે માટે સ્કુલ માં એડમિશન લેતા પહેલા તેની કુંડળી અને નીશાળ ની કુંડલી આપણે કાઈ મેળવતા નથી. બરાબર આજ રીતે વ્યક્તિને કેવું દામ્પત્ય સુખ મળશે તે પણ   તેની કુંડળી ના ગ્રહયોગ બતાવે છે. વળી લગ્ન પછી વ્યક્તિ ની કુંડળીમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી એ હકીકત ને ધ્યાનમાં લેતા સહેલાઈ થી કહી શકાય કે એક વ્યક્તિ ની કુંડળી માં બીજાની કુંડલી ની કોઈ અસર થતી નથી. તમને જે કોઈ આવી મળે છે અને તમારી સાથે તે જે વર્તન વ્યવહાર કરેછે તે તમારા પ્રારબ્ધ ને આધીન છે.  હા વ્યક્તીનો પોતાનો આ જીવનનો અભિગમ અને વ્યવહાર તેને મળનાર સુખ દુખ ઉપર જરૂર અસર કરી શકે. આમ કુંડળી મેળાપકનું ગતકડું સાવ તર્કવિહીન છે.  
 
મેળાપક એક અડસટ્ટો
 
કુંડળી મેળાપક નો મુખ્ય ઉદ્દેશ્ય તો વર-વહુને આપસમાં કેવો સ્વભાવ મેળ બેસશે તેનો અંદાજ કે અડસટ્ટો મેળવવાનો હોય છે. જુના સમય માં સમાજ માં જ્યારે કાચી ઉંમરે લગ્ન થતા અને વર વહુ માં આપસી સુમેળ જોવા જેટલી પુખ્તતા નહોતી, લગ્ન પહેલા છોકરા-છોકરીને મળવાનું શક્ય નહોતું ત્યારે ગ્રહોની મદદ થી આવો અડસટ્ટો મેળવવાનું ઉપયોગી હોઈ શકે. પરંતુ હવે જમાનો બદલાયો છે ડેટિંગ ના જમાના માં હવે તો જેમને આપસ માં સારો પરિચય છે, એકબીજા નો સ્વભાવ જેઓ સારીરીતે પીછાને છે  તેમના કિસ્સામાં જ્યોતિષના આ જરીપુરાણા અને સમય સાથે અપ્રસ્તુત બની ગયેલ સાધન નો ઉપયોગ કરવો એ તીરકામઠા વડે રણભૂમિ માં જવા બરાબર ગણાય.લગ્ન જીવન નો આધાર પ્રેમ છે અને આપણે  પ્રેમના જ છેદ ઉડાવી દઈને પ્રેમના દુશ્મન બનીએ એ ક્યાંનો ન્યાય ?
 

નવા જમાના ના નવા સાધનો નો ઉપયોગ જીવન ને બહેતર બનાવવામાં થવો જોઈએ.આજના સમયમાં કુંડલી મેળાપક ને સ્થાને સ્વભાવ અને માનસિક વૃત્તિઓ વગેરે કેટલા પુરક છે તે તપાસવા આજે કોઈ મનો-ચિકિત્સક ની સલાહ લેવામાં આવે તો કદાચ વધુ આવકારદાયક ગણી શકાય.
 
કુંડળી મેળાપક ને સ્થાને હવે એચઆઈવી રીપોર્ટ કે આપસમાં વિરોધી આર એચ ફેક્ટર તો નથી આવતું તે માટે તબીબી સલાહ લેવામાં આવે તે વધુ ઇચ્છનીય છે.
  
જ્યોતિષ શાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન નથી. આબાબત ને સ્વીકારવા જેટલી ખેલદિલી આપણા માં હોવી જોઈએ. વધારામાં આજે જે નિયમો અને સિદ્ધાંતો નો ઉપયોગ જ્યોતિષીઓ કરેછે તે જુના જમાનાના, જે તે સમાજ ને અનુરૂપ નિયમો છે. આજે સમય બદલાયા પછી જ્યોતિષ માં સંશોધન ખુબ જુજ પ્રમાણ માં થયુંછે તેથી નવી પરીસ્થીમાં જુના નિયમો અર્થહીન બને તે સમજી શકાય તેવું છે. આવા અપૂર્ણ શાસ્ત્ર ને આધારે અન્યથા એક બીજા માટે સુયોગ્ય ઉમેદવારો ની જોડી નકારી કાઢવી એ હતોસ્તાહ કરનારી બાબત જ ગણાય. જેઓ એક બીજા ને ઠીક ઠીક સમયથી રૂબરૂ મળી ઓળખતા હોય તેવા યુગલો ને જે નરી આંખે દેખાતા પણ નથી તેવા ગ્રહો ને આધીન એવા અપૂર્ણ શાસ્ત્ર ના નિયમો ને આધારે મુલવણી કરવી તે સમજદારી નથી.

લગ્ન જીવન માટે એક બીજા માટે પરસ્પર સારું આકર્ષણ રહે તે મહત્વનું છે. બંને સાથે ઉભારહે તો એક સારું કપલ લાગે,  શારીરિક કદ, વર્ણ એટલે કે શરીર નો રંગ વગેરે મહત્વની બાબતો છે. અભ્યાસ થી વ્યક્તિત્વ ખીલે છે અને તેના પસંદગી નું એક ધોરણ બંધાયછે. જે વાતાવરણ માં વ્યક્તિ નો ઉછેર થાય છે તેનાથી તેની એક જીવન શૈલી ઘડાય છે. આ સર્વ બાબતો નો મેળ સફળ દામ્પત્ય જીવન માટે જરૂરી છે. આનાથી ઉલટું -  કુંડલી મેળાપક માં મુખ્યત્વે  માત્ર ચંદ્ર ને જ પ્રાધાન્ય અપાયું  છે. ચંદ્ર એ મન છે અને કોઈ પણ સંબંધ માં મન નું મહત્વ છે જ તેમ છતાં માત્ર મેળાપક ના અભાવ માં બીજી બાબતો ને અવગણી ને સંબંધ ને રીજેક્ટ કરી કાઢવો તે બિલકુલ ખોટુ છે.
 
એવા અસંખ્ય કિસ્સા છે કે જેમના લગ્ન કુંડળી મેળાપક ના ઉચ્ચ ગુણ ને આધારે ગોઠવાયા હોય અને પછી સાવ કજોડું સાબિત થયું હોય. રોજ  લડતા હોય કે છૂટાછેડા થયા હોય.
 
નાડીદોષ  શું અંતિમ  કસોટી છે ?
 
લગ્નવાંછું યુવક-યુવતીઓ ને લગ્ન નક્કી કરતા પહેલા અને પરણેલા યુગલોને લગ્ન પછી જ્યારે દામ્પત્ય જીવન ને સ્પર્શતી કોઈ સમસ્યા ઉભી થાય ત્યારે જ્યોતિષીઓ નાડીદોષ ને જવાબદાર ગણે છે. ખરેખરતો અષ્ટકૂટ માં સમાન નાડીદોષ ને માત્ર ઉચ્ચ વર્ણના લોકો માટે જ અસ્વીકાર્ય ગણવામાં આવતું પણ હવે જેમ જેમ જ્યોતિષ પ્રસાર વધતો જાયછે તેમ તેમ દરેક વર્ગના માણસો માટે આ દોષ લાગુ કરવામાં આવે છે.
 
નાડી દોષનો સિદ્ધાંત જ્યોતિષ અને આયુર્વેદના સંબંધની નિશાની છે. પહેલાના સમયમાં દરેક વૈદ જ્યોતિષનો પણ અભ્યાસુ હતા. જ્યારે દર્દી વૈદ પાસે જાય તે સમયે દરદ ને પારખવા કેટલાક પ્રશ્નો પુછવામાં આવતા - રોગના લક્ષણો કયા નક્ષત્ર સમયે દિખાયા તથા રોગી કયા નક્ષત્રમાં ઈલાજ માટે આવ્યો તે જાણી લઇ રોગ વિષે નિદાન કરવામાં આવતું. સાથે સાથે રોગીના કાંડા પાસે રક્તવાહિનીની  ચાલ ઉપરથી તેના શરીરની પ્રકૃતિ વિષે ક્યાસ કાઢવામાં આવતો. આ સમયને નાડી અને પૂરી પ્રક્રિયા ને નાડી પરીક્ષા કહેવામાં આવતું. નાડી પરીક્ષણ માં વાત, કફ કે પિત્ત એ ત્રણ માંથી કયા ગુણના પ્રમાણ માં વિકાર ઉત્પન્ન થયો છે એટલે કે ' ત્રિદોષ '  જાણવામાં આવતું. હવે જ્યારે લગ્ન મેળાપક નો સિદ્ધાંત બન્યો ત્યારે સ્ત્રી-પુરુષ ની સંતાન ઉત્પન્ન કરવાની ક્ષમતા વિષે ક્યાસ કાઢવાનો જે માર્ગ જ્યોતિષીઓએ નક્કી કર્યો તેમાં આ ત્રિદોષ નો સમાવેશ થયો. અને આયુર્વેદમાં આ પરીક્ષણ ને નાડી તરીકે ઓળખાતી તેથી તેજ નામ જ્યોતિષ માં પણ સ્વીકારવા માં આવ્યું.
 
આમ કુંડળી મેળાપકમાં નાડી એટલે ચંદ્રના નક્ષત્રને આધારે વરવધુ ના ત્રિદોષ ને આપસમાં મૂકી તેમના સંયોગ ને તપાસવો કે ક્યાંક બંને એકજ તત્વના વિકાર વાળા તો નથી? જો બંને ના શરીર એક સરખા ત્રિદોષ વાળા હોય તો જે ગર્ભ રચાય તેમાં તે ગુણ ખુબ વધુ પ્રમાણમાં વકરે અને ગર્ભના વિકાસમાં અવરોધ થઇ શકે. 
 
હવે સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ચકાસવાની વધુ વૈજ્ઞાનિક રીત વિકસી ચુકી છે ત્યારે માત્ર ચંદ્ર ને આધારે નાડી જોઈ ફેંસલો કરવાનું યોગ્ય નથી. વળી ત્રિદોષ બાબતે પણ જ્યોતિષી કરતા આયુર્વેદના નિષ્ણાત વૈદની મદદ લેવી વધુ યોગ્ય ગણાય.

જેમને સંતતિ નથી તેવા દંપતી પણ જો જ્યોતિષની મદદથી તપાસ કરાવતા માલુમ પડે કે તેઓ વચ્ચે નાડી દોષ છે તો તેમણે આયુર્વેદ ની મદદથી પોતાના ખાન-પાન, રહેણી કરણી, તથા સ્વભાવમાં યોગ્ય ફેરફાર કરી લાભ મેળવી શકે છે. મને લાગેછે કે શરીરના દોષના ઈલાજ માટે જ્યોતિષ કરતા આયુર્વેદની સહાય લેવી વધુ ઉચિત ગણાય.
 
જ્યારે લગ્ન માટે મેળાપક જોતા હોઈએ ત્યારે પણ જ્યોતિષીએ નાડી દોષ કહ્યો એટલે પૂર્ણવિરામ મુકવાને બદલે જો દેખાવ, કાળ, વર્ણ, અભ્યાસ, જીવનશૈલી વગેરે બીજી બાબતોમાં છોકરા છોકરી એક બીજા માટે સુયોગ્ય હોય તો આયુર્વેદિક ઉપાય કરવાની તૈયારીથી આગળ વધવું જોઈએ. જેમને જ્યોતિષની રીતે નાડીદોષ ન હોય તેવા પણ ઘણા યુગલોને સંતતિ નથી હોતી તો બીજી બાજુ નાડીદોષ હોય છતાં સંતાન સુખ સારું મળે તેવા કિસ્સા પણ જોવા મળે છે.
 
મંગળદોષ ની યથાર્થતા
 
કુંડલી મેળાપક વખતે  મંગળદોષ જોવામાં આવે છે. મંગળને ભૂમિ, સૈનિક, ઉર્જા, હિંમત, શક્તિ, સ્વાભિમાન, આખાબોલાપણું, જુસ્સો વગેરે સાથે સાંકળવામાં આવેછે. જ્યારે આપણે  જુના જમાનાના સમાજ જીવનને તપાસીએ ત્યારે જોવા મળે છે કે એ સમય માં લડાઈઓ ઘણી થતી અને તેમાં લડવામાં જુસ્સા વાળા અને લડાયક વૃત્તિ વાળા લોકો (માંગલિક) વધુ જતા. લડાઈ માં માણસો મોટી સંખ્યા માં શહીદ થતા. તેથી જેમનો મંગલ વધુ અસરકારક હોય તેવા વ્યક્તિને લગ્ન માટે સારા ઉમેદવાર ગણવામાં આવતા ન હતા તે જે તે જમાના માટે બરાબર હતું પરંતુ આજે તે બરાબર  નથી. હવે સલામતી અને રોગ સામે રક્ષણ આપતી દવાઓ અને બહેતર સુઘડતા અને જીવન ધોરણ ને કારણે સરેરાશ  આયુષ લાંબુ થયું છે. તેથી અકાળ અવસાન ની શક્યતાઓ ઘટતા યુવાન વયે વૈધવ્ય નું પ્રમાણ પણ ઘટ્યું છે.  બીજી તરફ પુન:લગ્ન માટે સમાજ માં કુણું વલણ સ્થાપિત થઇ રહ્યુંછે.
 
વળી ખેતીપ્રધાન સમાજના પુરુષ નો અહં  મંગલના ઉપર જણાવેલ ગુણો  વાળી પત્ની ને કારણે ઘવાય તે સ્વાભાવિક હતું. પરંતુ હવે જમાનો બદલાયો છે એન્જીન્યરીંગ અને ટેકનોલોજી જેવા ઉચ્ચ અભ્યાસક્રમ સશક્ત મંગલ વગરની છોકરીઓ કરીશકે તે શક્ય નથી. બીજી તરફ પુરુષો હવે રસોઈ માં પણ પત્નીને મદદ કરતા થયા છે. હવેની છોકરીઓ દરેક ક્ષેત્રમાં છોકરાઓને ટક્કર આપેછે ત્યારે માંગલિક દોષ જોવાની વાતને ફેરવિચારણા કરવાની જરૂરત છે.
 
આ સર્વ બાબતો ની સમીક્ષા કરતા હવે મેળાપક, નાડીદોષ તથા મંગળદોષ જેવી બાબતો નવેસરથી વિચાર કરવાની ખાસ જરૂર છે તેમ ની:સંદેહ કહી શકાય.


https://sites.google.com/site/astrogujju/options