ભારતીય સમાજ જીવન ના લગભગ તમામ પાસા ઉપર સનાતન ધર્મનો ઘેરો પ્રભાવ છે. પુન:જીવન, કર્મનો સિદ્ધાંત જેવા સનાતન ધર્મ ના પાયાના સિદ્ધાંતોની સાથે સાથે ભારતીય જન સમાજમાં વેદિક જ્યોતિષ નો સ્વીકાર અને પ્રસાર જોવા મળે છે.
 
એક તરફ કર્મનો સિદ્ધાંત છે જે કહેછે કે જેવું વાવશો તેવું લણશો અને બીજી બાજુ જ્યોતિષના ઉપચાર છે જે કર્મના પરિણામ સ્વરૂપ પ્રારબ્ધ ને સુધારવાની વાત કરે છે. આ રીતે જોઈએ તો આ એક દેખીતો વિરોધાભાસ છે. પરંતુ આ બંને બાબતો હજારો વર્ષથી સાથે સાથે અસ્તિત્વમાં છે તે બાબત પણ એટલીજ મહત્વની છે અને તેની પાછળ નું રહસ્ય જાણવા આપણને પ્રોત્સાહિત કરેછે. આ દેખીતા વિરોધભાસ નું આવરણ ઉતારી કર્મનો સિદ્ધાંત અને જ્યોતિષ ના ઉપાય સાથે સાથે કેવીરીતે સાર્થક થઇ શકે તે જાણવા માટે આપને બંને નિયમો કેવીરીતે કામ કરેછે તે સમજવું પડશે.
  
કર્મના સિદ્ધાંત મુજબ કર્મ ચાર પ્રકારના ગણાય છે . (૧) ક્રિયામાણ કર્મ (૨) સંચિત કર્મ (૩) પ્રારબ્ધ કર્મ (૪)આગમ કર્મ
 
પ્રત્યેક ક્રિયા, ચાહે માનસિક સ્તર ઉપર હોય કે પછી ભૌતિક સ્તર ઉપર, જ્યારે કરવામાં આવે ત્યારે તેની પાછળ રહેલ ઈરાદા, હેતુ કે લાગણી પ્રમાણે પ્રતીભાવ પેદા કરેછે. આ પ્રતિભાવ ને ક્રિયાનું પરિણામ કે ફળ કહેવામાં આવેછે.
 
કોઈપણ કર્મ, ફળ આપ્યા સિવાય લુપ્ત થતું નથી. કર્મ કરવામાં જે શક્તિ -એનર્જી  વપરાય છે તે ફળ રૂપે પાછી મળે છે. ફળમાંથી  ક્રિયા કરવાની શક્તિ પ્રદાન થાય છે. આમ કર્મ એટલે વર્તમાન ક્રિયાશક્તિનું ભવિષ્યના ફળશક્તિ માં રૂપાંતર. સંસાર માં વાસ્તવમાં કોઈ શક્તિનો હાસ થતો નથી : માત્ર તેનું રૂપાંતરણ જ થાય છે. 
 
જે કર્મ થયા પછી તુરંત કે બહુ જલ્દી તેનું ફળ તેના કર્તાને પ્રદાન કરે તેવા કર્મને ક્રિયામાણ કર્મ કહે છે. અહીં કર્મ થાય અને તેનું ફળ પણ મળી જાય છે અને કશું શેષ રહેતું નથી. જીવન ના રોજીંદા નાનામોટાં વ્યવહારો આ પ્રકારના કર્મ હોય છે.    
 
ઘણા કર્મ એવા હોયછે કે તેના ફળ ઘણા સમય પછી મળે છે. કર્મ કર્યા પછી તેનું ફળ મલે તે સમય દરમિયાનનો સમય ગાળો ઘણીવાર કર્તાની જીંદગી કરતા પણ મોટો હોય છે. આવા કર્મોના ફળ ભવિષ્યની જિંદગીમાં એટલેકે બીજા જન્મમાં મળે તેવું પણ બને. આવા જે કર્મોના ફળ બાકી હોય તે જમા રહે અને તેના સંચય કે જમાવડા ને સંચિત કર્મ કહેવાય છે.
 
આવા સંચિત કર્મમાંથી જે કર્મ પાકી ને  જેતે જીવનમાં ફળરૂપે મળવા યોગ્ય થઇ ગયા હોય તે કર્મફળ ને પ્રારબ્ધ કહેવાય છે. 
 
પ્રારબ્ધવાદીઓ માને છે કે ઘટનાઓ કેવીરીતે અને ક્યારે ઘટશે તે પુર્વાથીજ એટલેકે ઘટનાઓ બને તેના ઘણા સમય પહેલેથી જ નક્કી હોય છે અર્થાત પૂર્વનિર્ધારિત હોય છે.આમ જીવનમાં સ્વતંત્ર ક્રિયાશક્તિ નું ખાસ મહત્વ નથી. કર્મ બાબતની આ માન્યતા જ્યોતિષ ના ઉપાયો બાબતે ટકરાવ ઉભો કરેછે. તો પછી આપણે જ્યોતિષ ના ઉપાયો ની સાર્થકતા કેવી રીતે કબુલ કરી શકીએ ? પ્રારબ્ધરૂપે ફળ આપવા આવી ઉભા થયેલા કર્મ ને આપણે બદલી શકીએ કે નહિ?  આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે કર્મના સિદ્ધાંતને સૂક્ષ્મતાથી સમજવો પડશે.     
 
કર્મ નાં સૃજન ની શરૂઆત સુક્ષ્મ સ્તર (Subtle) ઉપર એટલેકે વિચાર, કામના, ઈચ્છા,આશા, એશણા,  ઈરાદા,  અપેક્ષા કે વાસના ના રૂપમાં થાય છે. જેમ જેમ તેની તીવ્રતા વધતી જાય, તેનું પુનરાવર્તન (Frequencies) વધતું જાય તેમ તેમ તે ઘાડું અને નક્કર થતું જાય છે. પછી એક એવી સ્થિતિ આવે છે જ્યારે તે સુક્ષ્મમાંથી ભૌતિક(Gross) રૂપ ધારણ કરેછે. આ ભૌતિક રૂપ હવે વસ્તુ કે ઘટના ના રૂપમાં પ્રગટ થાય છે.
 
આમ જોઈ શકાય છે કે દરેક ઘટના કે વસ્તુ મૂળભૂત રીતે સુક્ષ્મ માનસિક ઇચ્છાઓના તરંગો ની બનેલી હોય છે. ઈચ્છા સુક્ષ્મ છે - ઘટના કે વસ્તુ તેનું ઘાડું કે ભૌતિક સ્વરૂપ છે. બીજી રીતે એમ સમજી શકાય કે દરેક ઘટના નું કારણ માનસિક હોય છે. એટલે જ આપણે ઘટનાઓને સુખ દુખ, અનુકુળ પ્રતિકુળ, સંતોષ કે પરિતાપથી અનુભવીએ છીએ કે જીવીએ છીએ. માનસિક સ્તરેથી જન્મેલ ઘટનાઓ ઘટિત થઇ જાય ત્યારે માનસિક અનુભવ સ્વરૂપે વળી પાછી માનસિક તરંગોમાં રૂપાંતરિત થઇ જાય છે. તેથીજ કહેવાય છે કે સંસાર મનોમય છે.
તો તમે જે વ્યક્તિને અનુલક્ષીને જેવા વિચાર વાસના જન્માવ્યા હશે, પરસ્પર વ્યવહારથી બંને વચ્ચે જે ભાવના અને લાગણીઓ ઉભી કરી હશે તે પ્રમાણે ની ઘટનાઓ તમે અરસપરસ સાથે જીવીને અનુભવી શકો તેવા સંબંધ અને જીવનની તમે રચના પ્રતિપળ કરતા રહો છો. સુખ આપ્યું હશે તો સુખ અને દુખ આપ્યું હશે તો દુખનાં હિસાબ ચુકતે કરવા પડશે. આ બાકી હિસાબો ચૂકવવા માટેનું જે બંધન ઉભું થાય છે તેને ઋણાનુબંધ કહેવાય છે. લેંણદેણ ચુકવણી નાં આ ચક્ર માંથી બહાર આવવાનો એક જ સરળ માર્ગ છે - ચુકવણી કરવાનો. કાર્મિક ભોગાયતન રૂપે જે કાઈ ચૂકવવા પાત્ર થાય ત્યારે નમ્રપણે પ્રમાણિકતાથી ચુકવણી કરવાથી જ ઋણાનુબંધ ઓગળી શકે.
 
સામાન્ય સમજ થી વિપરીત, પ્રારબ્ધ રૂપે મળવા વાળા ફળ ની અગ્રીમતા અને ફલીભૂત થવાના ક્રમ ને બદલી શકાય છે. હા એ તાર્કિક અને સત્ય છે. કેવી રીતે ? આઓ સમજીએ. 
 
આપણે જોયું કે કર્મનું બંધારણ સુક્ષ્મ તરંગોનું બનેલ હોય છે. તેથી તેમાં ફેરફાર કરવાનું સાધન પણ સુક્ષ્મ તરંગમય જ હોવું જોઈએ.
 
વર્તમાનમાં આપણે જે વિચાર કરીએ તેના તરંગો હોય છે. જ્યારે આપણે કોઈ એક બાબત જેમકે કોઈ મંત્ર કે સ્તુતિ, વિધિ, અનુષ્ઠાન  અનેક વાર કરીએ કે પછી ખુબ એકાગ્રતાથી કરીએ કે અમુક ખાસ ઢબથી ઉચ્ચારણ કરતા રહીએ ત્યારે તેના તરંગો નો જથ્થો ઘણો મોટો થાય છે. બીજી તરફ જીવનના કોઈ પણ તબક્કે પ્રારબ્ધના રૂપે પડેલ કર્મ-ફળનાં તરંગ નું અસ્ત્તીતવ પણ હોયછે. 
 
research 
 
ક્રિયમાણ કર્મના તેમજ પ્રારબ્ધના તરંગોના સહ: અસ્તિત્વને અને જ્યોતિષના ઉપાયોની સાર્થકતા સમજવા પ્રારબ્ધને ફુગ્ગા સમજી લઈએ અને ક્રિયમાણ કર્મને એક એવો ફુગ્ગો સમજી લઈએ જેને હવા ભરી ફુલાવીને મોટો કરી શકાતો હોય. હવે જો પ્રારબ્ધના ફુગ્ગા ક્રિયમાણ કર્મના ફુગ્ગાની ઉપર પડેલ હોય અને ક્રિયમાણ કર્મનો ફુગ્ગો ફુલાવીને મોટો કરવામાં(પુરુષાર્થ) આવે તો તેનું કદ  વધવાથી પ્રારબ્ધના ફુગ્ગા આસપાસ ખાસીજાય.
 
આ ક્રિયમાણ કર્મના ફુગ્ગામાં હવા ભરવી એટલે જ્યોતિષ ઉપાય રૂપી પુરુષાર્થ - મંત્ર વગેરે નાં તરંગો પેદા કરવા - તેનું કદ વધારવું. પ્રારબ્ધના ફુગ્ગા નું ખસી જવું એટલે પ્રારબ્ધ ની ઘટનાઓને દૂર કરવી.
 
આમ કર્મના સિદ્ધાંત મુજબ પ્રારબ્ધ ઉભું થઇ ગયું હોવા છતાં ક્રિયમાણ કર્મ ની સઘનાતાથી ઘટનાઓનો ક્રમ બદલી શકાય છે. શરત એજ છે કે મંત્ર-સ્તુતિ વગેરે જે તે જાતકે પોતે કરવા અને તે એટલી વધુ શ્રદ્ધા અને સંખ્યામાં કરવા જેથી તેના તરંગોનો જથ્થો પ્રારબ્ધના તે સમયે ઘટના સ્વરૂપે ઉપસ્થિત થનાર ફળ નાં તરંગોના જથ્થા કરતા વધુ મોટો હોય. વળી એ ખાસ યાદ રાખવું જોઈશે કે આ રીતે પ્રારબ્ધ ની ઘટનાઓનો ક્રમ બદલી શકાયછે - ફળ નો સમૂળગો નાશ કરી શકતો નથી.
 
જ્યારે જાતક ખુબ મોટી મોટી આફતોમાં ઘેરાયો હોય ત્યારે ઘટના ક્રમનો થોડો બદલાવ પણ મોટી રાહત બની શકે. વળી બનવાજોગ છે કે મુલતવી રહેલ મુસીબત નો ક્રમ જ્યારે ફરી આવે ત્યારે સંજોગો બદલાઈ ગયા હોવાથી જાતક માટે તે વધુ આકરી સાબિત ન થાય.
 
મંત્ર સ્તુતિ વગેરે સેંકડો વર્ષોથી ચાલી આવેલ હોવાથી તેના માહાત્મ્યની અસર લોકોના મન ઉપર ખુબ અસરકારક રીતે સકારાત્મક અભિગમ ઉભો કરેછે. સકારાત્મક મન દ્વારા મુસીબતોનો સામનો કરવાનું સરળ બનેછે.
 
ઘણા બધા માનસિક તરંગોથી કર્મ બને - પ્રારબ્ધ બને અને તે પ્રારબ્ધ ને બદલવા ફરી ઘણા બધા માનસિક વિચારો નવા ક્રિયમાણ કર્મ ઉભા કરે અને પ્રારબ્ધની ઘટનાઓ ને આઘી પાછી કરી શકાય. 
 
આમ ફળ આપવા વિશેના અટલ કર્મનાં સિદ્ધાંત માં જ્યોતિષ ઉપાય ની કારગતતા ને સમજી શકાય છે. જે બે બાબતો એક બીજાથી વિરોધાભાસી લાગતી હતી તે એક બીજાની પુરક હોઈ શકે તે માની શકાય છે.
 
જયારે શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહેછે "કર્મ માં કુશળતા એ જ યોગ છે" તો તેમાં ક્રિયમાણ કર્મ ની આવી કુશળતા હોઈ શકે.
 
પ્રારબ્ધ અને જ્યોતિષ ઉપાય બંને છેવટેતો માનસિક તરંગોનો ખેલ જ છે.