આશ્લેષા

હાલમાં મને એક જ્યોતિષી દ્વારા જાણવા મળેલ છે કે મારા જન્મ નક્ષત્રનો દોષ મને નડે છે અને આ કારણથી મારો પ્રોગ્રેસ સંતોષકારક રીતે થતો નથી.
 
મારું જન્મ નક્ષત્ર આશ્લેશા છે. તો શું આ નક્ષત્રમાં જન્મવા માત્રથી દોષ ઉભો થાય છે ?  તેનો ઉપાય બતાવશો.

 
જ્યોતિષ વિશેની ચર્ચામાં ગડાન્ત, કેમદ્રુમ, કાલસર્પ, ચાંડાલ વગેરે યોગો અને દોષોની ભરમાર રહે છે. કમનસીબે તમારું જન્મ નક્ષત્ર 'આશ્લેષા પણ આ ગડાન્ત નક્ષત્રો માનું એક છે.
 
કુંડળી માં બાર ઘર, બાર રાશી અને  નવ ગ્રહ નાં સંયોજન થી જીવન ની વિવિધ બાબતો વિષે સુખ દુખ નો વિચાર થાય છે. પરંતુ ઉપર કહેલ દુ:યોગો નો જ્યારે અભ્યાસ કરીએ છીએ તો જણાય છે કે તેમાં કોઈ એક ગ્રહ કે નક્ષત્રને જ આધાર બનાવી, મતલબ કે લગ્ન, રાશી, સ્થાન, બીજા ગ્રહોનો સંયોગ વગેરેની ઉપેક્ષા કરી, જે તે ગ્રહ નક્ષત્રને ભયાનક પરિણામો માટે આગળ ધરી દેવાય છે. સમજી શકાય તેમ છે કે જો એકાદ ગ્રહ નક્ષત્રની અસર જ આટલી મહત્વની હોય તો આખી કુંડળીનાં યોગ જોવાની જરૂરજ ન હોવી જોઈએ. 
 
વળી ચંદ્ર માત્ર ૨૭ દિવસમાં જ બધી રાશિઓનું ભ્રમણ કરી લેતો હોઈ ચંદ્ર ની રાશી અને નક્ષત્રને આધારે બનતા યોગ તો દર મહિને સર્જાતા રહે છે તેથી આવા યોગો ને ગંભીરતાથી લઇ શકાય નહિ. પરંતુ ' ડૂબતો તરણું ' પકડે તેમ જાતક જ્યારે મુશ્કેલ સમય માંથી પસાર થતો હોયછે ત્યારે તેની વિવેક શક્તિ કંઇક અંશે કુંઠિત બની ગઈ હોય છે અને તે આ સામાન્ય બુદ્ધિની બાબત પણ સમજી શકતો નથી અને એક સાવ ઓછું ભણેલ જ્યોતિષી જે અષ્ટમ પષ્ટમ સમજાવે તે માની લે છે.
 
આવોજ એક દોષ છે ' ગડાન્ત ' કે  ' ગંડમૂળ' . જ્યારે કોઈ વ્યક્તિ નાં જન્મ સમયે ચંદ્ર રેવતી, અશ્વિની, આશ્લેષા, મઘા, જ્યેષ્ઠા કે મૂળ નક્ષત્રમાં હોય ત્યારે આ દોષ થયેલ ગણાય છે. તમારું જન્મ નક્ષત્ર આશ્લેષ હોઈ તમને જ્યોતિષીએ આ દોષ ની ભયાનકતા વર્ણવી હશે.
 
જોકે કેટલાક જ્યોતિષ વિદ્વાનો નાં મતે આખા નક્ષત્ર નાં બદલે ઉપરોક્ત નક્ષત્ર નાં માત્ર એ ભાગને જ દોષ જનક માનવામાં આવે છે જે માં રાશી અને નક્ષત્રની સંધી થતી હોય. આમ જોઈએ તો નીચે બતાવેલ પરિસ્થિતિમા જ ગડાન્ત દોષ સંભવે છે :- 
 
*  રેવતી નક્ષત્ર નું ચોથું ચરણ
 
*  અશ્વિની નક્ષત્રનું પ્રથમ ચરણ
 
*  આશ્લેષા નક્ષત્રનું ચોથું ચરણ
 
*  મઘા નક્ષત્રનું પ્રથમ ચરણ
 
*  જ્યેષ્ઠા નક્ષત્રનું ચોથું ચરણ
 
*  મૂળ નક્ષત્રનું પ્રથમ ચરણ
 
રાશીચક્રનાં આ ભાગમાં એવું શું છે કે આવો દોષ પેદા થવાનું માનવામાં આવે છે?
સંધી નો અર્થ છે - એક ની સમાપ્તિ અને બીજાની શરૂઆત નો ગાળો. આમ આ ગાળામાં પરિવર્તન ની પ્રક્રિયા થાય છે. પરિવર્તન સ્વાભાવિક રીતે જ પીડાજનક હોય છે. ગડાન્ત દોષમાં જે રાશીઓ ની ગણતરી થાય છે તેમનું તત્વ અગ્નિ અને જળ છે. આ બંને તત્વો આપસમાં વિરોધાભાસી હોવાથી સંધી ગાળામાં થતું પરિવર્તન વિશેષ પીડાકારક બને છે. આ કારણે ગડાન્ત માં જન્મેલ જાતકો ને પરસ્પર વિરોધી બાબતોની ટક્કર નો અનુભવ લેવાનો થાય છે. આમ તેમના પુરુષાર્થ અને લાભમાં વિસંગતતા જોવા મળે એવું બની શકે.
 
જ્યારે કોઈ વ્યક્તિ નું જન્મ લગ્ન બે રાશીની સંધી માં હોય ત્યારે માનવા માં આવે છે કે તે વ્યક્તિ માં એ બંને રાશીઓ નાં ગુણ સમ્મિલિત જોવા મળે. પરંતુ તેને દોષ ના રૂપમાં લેખાયું નથી.


 
ચંદ્ર ને મનનો કારક માનેલ હોવાથી વિરોધી તત્વોના નક્ષત્રોની સંધિથી માનસિક પરિતાપ થવાની વકી વધુ હોઈ શકે તે સિવાય એક માત્ર આ સંધી ને કારણે કુંડળી નાં બીજા યોગો ની શુભ અસર રદ થઇ જાય તેમ માની લેવાને કોઈ કારણ નથી.
 
જ્યોતિષ જ્ઞાન નો વિધેયાત્મક ઉપયોગ કર્યો ત્યારે કહેવાય જયારે જન્મ સમયના આવા સંધી નક્ષત્રોની અસર ની સંભાવના ને જાણીને ડરાવવા ને બદલે જે તે વ્યક્તિને સ્વસ્થતાથી વિચાર અને નિર્ણય કરવાની જરૂરી તાલીમ લેવાનું સૂચવવામાં આવે. 
 
જોકે આ ગડાન્ત યોગ ને બીજા પરીપેક્ષથી જોઇએતો વિરોધાભાસી તત્વોની ટક્કર સહન કરવામાંથી વ્યક્તિ માં આધ્યાત્મિક જ્ઞાનનો ઉદય થવાની સંભાવનાઓ વધી જાય છે. જીવન વિરોધાભાસી બાબતોનું બનેલ છે તે હકીકત આવા ગડાન્ત યોગમાં જન્મેલ વ્યક્તિઓ જલદી સમજી અને પચાવી શકે છે. વિશાદ ના અનુભવ માંથી જ જ્ઞાન નો ઉદય થાય છે તે આપણે ગીતામાંથી સમજી શકીએ છીએ. 

http://www.gujjoojyotish.com/research
 
પારંપરિક જ્યોતિષમાં જેમ અન્ય દોષો નો પરિહાર સૂચવવામાં આવે છે તેજ રીતે ગડાન્ત દોષ નો પરિહાર પણ છે. મોટે ભાગે જન્મ પછી જ્યારે જન્મ કુંડળી બનાવવામાં આવે ત્યારેજ ગડાન્ત દોષ ની પૂજા કરાવી લેવાનું પંડિતો સૂચવતા હોયછે. જેમને આવો યોગ હોય અને પૂજા ન કરાવી હોય તો તેઓ તેમની જન્મ તીથીની આસપાસ જ્યારે જન્મ નક્ષત્રમાં ચંદ્ર આવતો હોય તેવા દિવસે આ પૂજા કરાવી શકેછે. કોઈ પણ કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા આ પૂજા કરાવી શકાય છે અને તેમ કોઈ વધુ ખર્ચ પણ થતો નથી.