મુદ્રા રહસ્ય
VibhutiGanesh

ભારતવર્ષમાં વેદિક કાળથી વિવિધ મુદ્રાઓનો પ્રયોગ પ્રચલિત છે.  શારીરક અંગને એક ખાસ અવસ્થામાં સ્થિત કરવાની ક્રિયાને મુદ્રા કહે છે. અધ્યાત્મિક સાધના, તપ ,અનુષ્ઠાન, ક્રિયા-કાંડથી માંડીને નૃત્ય અને બીમારીઓના ઉપચાર સુધી મુદ્રાઓનો ઉપયોગ થાય છે. જોકે મુદ્રાઓને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ પાવાનો યશ બુદ્ધ ધર્મના પ્રસારને આપવો રહ્યો. જેમ જેમ બુદ્ધ ધર્મના ધ્યાન અને યોગની વિવિધ પદ્ધતિઓ નો પ્રસાર વિદેશોમાં થયો તેમ તેમ મુદ્રાઓ વિષે પણ સારી જાગૃતિ આવી છે.  અહીં આ સાઈટ ઉપર આપણે હાથની આંગળીઓ દ્વારા કરવામાં આવતી હસ્ત-મુદ્રાઓના ઉપયોગ વિષે વાત કરીશું.
 
મુદ્રા દ્વારા જે શક્તિ ઉત્પન્ન થાય છે તેનો ઉદભવ દરેક જીવિત પિંડમાંથી પ્રસાર થતી કોસ્મિક એનર્જી કે બ્રહ્માંડ ની ઉર્જાને માનવામાં આવે છે. પુરા બ્રહ્માંડ માં એક અદભૂત જીવન શક્તિ  વ્યાપ્ત છે . આમ સંસારની દરેક જડ -ચેતન વસ્તુઓ આ જીવન શક્તિથી લિપ્ત હોય છે. આ શક્તિ ને જ્યારે પૃથ્વીના સંદર્ભમાં વિચારીએ ત્યારે તેને પંચ-મહાભૂતની અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. દરેક સજીવ શરીર આ પંચ-મહાભૂતથી બનેલ હોય છે.
 
દરેક મનુષ્યનં માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય આ પંચ-મહાભૂત કે મૂળ-તત્વો ને આધીન માનવામાં આવેછે. જ્યારે પણ આ પંચ-મહાભૂત માંથી એકાદ તત્વ વધુ કે ઓછું થાય એટલે કે વિકાર ઉત્પન્ન થાય ત્યારે બીમારી ઉત્પન્ન થાય છે. આ પંચ-મહાભૂતની અરસ-પરસ મેળવણી થી જુદી જુદી શારીરિક પ્રકૃતિ આયુર્વેદ માં માનવામાં આવેછે અને તેમાં ઉભા થતા વિકારને ત્રિદોષ કહેવામાં આવે છે.
 
 
 
 
જીવન ઉર્જા મનુષ્યના મસ્તક થી શરીરમાં પ્રવેશે છે અને શારીરિક અંગોમાં પ્રવાહિત થઇ છેવટે હાથની આંગળીઓનાં ટેરવા મારફતે પાછી વાયુમંડળ માં વિસર્જિત થાયછે. આ ક્રિયાને કારણે હાથની આંગળીઓને વિશેષ રૂપે ઉર્જા સંવેદનશીલ માનવામાં આવેછે. વળી 
 
જુદી જુદી આંગળીઓને જુદા જુદા તત્વોથી સંબંધિત માનવામાં આવે છે. જુદા જુદા તત્વોની અસર ઉત્પન્ન કરવા જે તે તત્વને આધારિત આંગળીઓ વિશેષ અવસ્થામાં રાખી વિવિધ હસ્ત-મુદ્રાઓ ની રચના કરવામાં આવી છે.
 
મનુષ્યની ચિત્ત-વૃત્તિ પણ તેના શારીરિક સ્વાસ્થ્ય સાથે અને તે રીતે તેની પ્રકૃતિ સાથે પ્રગાઢ રીતે સંકળાયેલ રહે છે. આ સિદ્ધાંતને આધારે જુદી જુદી મુદ્રાઓ ની મદદથી જુદી જુદી મનોઅવાસ્થા કેળવવાની કળા વિકાસ પામી અને તેનો ઉપયોગ યોગ, ધ્યાન  અને  જુદી જુદી સાધના માં કરાય છે. સામાન્ય માણસ માટે તેના શારીરક સ્વાસ્થ્ય લાભ માટે મુદ્રાઓ ઘણી ઉપયોગી બની રહેલ છે.
 
જોકે મુદ્રાઓનો અલપ-ઝલપ ઉપયોગ કરી ચમત્કારિક લાભની આશા રાખવી અનુચિત છે. મુદ્રાનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિએ એ વાત ખાસ સમજી લેવી કે મુદ્રાનો લાભ લેવા માટે જે તે તત્વના સ્વભાવ ને સમજી પોતાની જીવન પ્રણાલી તથા માનસિક વૃત્તિ તદનુસાર કેળવવી અને પછી સાધના જેવી ગંભીરતા થી મુદ્રાનો પ્રયોગ કરવો. વળી જે તે તકલીફ દુર કરવા કે ખાસ લાભ મેળવવા મુદ્રાની સાથે સાથે જે તે તત્વ માટેના સંબંધિત તત્વ, તેના દેવતા, ગ્રહ, વગેરેની ઉપાસના મંત્ર તથા ધ્યાન પણ કરવા. મુદ્રાની સાથે શ્વાસ અને નાડીનં સંકલન કરવું પણ જરૂરી છે.
 
આમતો અસંખ્ય મુદ્રાઓ હોવાનું મનાય છે પરંતુ સાધારણ માણસ માટે ઉપયોગી હોય તેવી પ્રચલિત મુદ્રાઓ માં યોગમુદ્રા, ધ્યાન મુદ્રા, શાંતિ મુદ્રા, શાંભવી મુદ્રા, શૂન્ય મુદ્રા,અભય મુદ્રા, લિંગ મુદ્રા, યોની મુદ્રા, વરુણ મુદ્રા, વાયુ મુદ્રા, પૃથ્વી મુદ્રા વગેરે  ગણાય છે.

મુદ્રા ના ઉપયોગ વિષે માહિતી માટે નીચે ચિત્ર ઉપર ક્લિક કરી અમારી ખાસ સાઈટ ની મુલાકાત લઇ શકશો :
https://sites.google.com/site/mudraremedies/