પ્રેમળ જ્યોતિ તારો દાખવી ..





પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવન ઊજાળ !

દૂર પડ્યો નિજ ધામથી હું' ને 
ઘેરે ઘન અંધાર
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં
નિજ શિશુને સંભાળ, મારો જીવન પંથ ઉજાળ  
પ્રેમળ જ્યોતિ...

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય
દૂર માર્ગ જોવા લોભ લગિરના
એક ડગલું બસ થાય
મારે એક ડગલું બસ થાય, 
પ્રેમળ  જ્યોતિ...

આજ લગી રહ્યો ગર્વમાં હું, ને
માગી મદદ ના લગાર
આપ બળે માર્ગ જોઈને ચાલવા
હામ ભીડી મુઢ બાળ
હવે માંગુ તુ જ આધાર
પ્રેમળ  જ્યોતિ... 









ભભક ભર્યા તેજથી હું લોભાયો
ને ભય છતાં ધર્યો ગર્વ
વિત્યાં વર્ષને લોપ્યા સ્મરણથી
સ્ખલન થયાં જે સર્વ
મારે આજ થકી નવું પર્વ
પ્રેમળ  જ્યોતિ...


તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ !
આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર ...
પ્રેમળ  જ્યોતિ... 

કર્દમભૂમિ કળણ ભરેલી,
ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળકેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર ...

પ્રેમળ  જ્યોતિ...

રજની જશે ને પ્રભાત ઉજળશે
ને સ્મિત કરશે પ્રેમાળ
દિવ્ય ગણોના વદન મનોહર
મ્હારે હૃદયે વસ્યા ચિરકાળ
જે મેં ખોયાં હતાં ક્ષણવાર
પ્રેમળ જ્યોતિ...

-નરસિહરાવ દિવેટીયા