તમને કોઈ મંગળ વિષે ડરાવે તો શું કરશો?

મારો એવો અંગત અનુભવ છે કે જ્યારે આપણે જ્યોતિષી પાસે થી પાછા ફરીએ ત્યારે મોટે ભાગે વધારાની ચિંતા લઇ ને અવવાનુ થાય તેવું બને છે.

બીજી તરફ એ પણ એટલુંજ સાચું છે કે જ્યોતિષ બતાવવા આવનારાઓને પણ જ્યોતિષી તરીકે હું જ્યારે સકારાત્મક વાત કરું છુ ત્યારે એટલી મઝા આવતી નથી. એવું લાગે કે તેઓ કોઈ ગંભીર વહેમ પાકો કરવાની અપેક્ષા લઇ ને આવતા હોય છે. તેમને આપણે અમુક તથાકથિત દોષમાં કોઈ તથ્ય નથી અને તેમને ગભરાવાની જરૂર નથી તેમ સમજાવીએ ત્યારે તેમને તે વાત જલ્દી ગળે ઉતરતી નથી.. પણ જો કોઈ દોષ માટે અતિશયોક્તિ ભર્યા મંત્ર કે કહેવતો વગેરે કહો તો તેઓ બહુ સહજતાથી માની લેતા હોય છે. ટીવી ઉપર આવતા કાર્યક્રમો અને છાપામાં આવતા લેખો ના ઉપર છલ્લા પરિચય ને કારણે જન માનસમાં જ્યોતિષ વિષે ઘણી ગેરસમજ ફેલાયેલી છે.

હવે જો તમારો અભિગમ સકારાત્મક હોય અને તમને ખરેખર મંગળ વિષે તાર્કિક માહિતી જાણવાની ઈચ્છા હોય તો આ લેખની મદદથી આપ આપની કુંડળીમાં મંગળ કેવું ફળ આપશે તે જાણી શકશો.

મોટે ભાગે જ્યોતિષીઓ ૧,૪,૭,૮ અને ૧૨ ભાવમાં મંગળ જોઈને તુરંત માંગલિક દોષ નો સિક્કો લગાવી દેતા હોય છે. આપણે સમજી શકીએ છીએ કે કુંડળી માં જુદા જુદા લગ્ન હોય છે .. અને જો બધાને એક સરખી રીતે, કઈ રાશી નુ લગ્ન છે કે કઈ રાશિમાં મંગળ બેઠો છે તે ભેદ કર્યા વિના અર્થઘટન કરવાનું હોય તો તો પછી જન્મ સમય જાણવાનો કોઈ મતલબ જ રહે નહિ..!

લગ્ન એટલે તમારી કુંડલી માં મથાળે કેન્દ્રમાં એટલે કે ઘડિયાળ માં જે સ્થાન પર ૧૨ નો આકડો હોય છે ત્યાં જે સ્થાન હોય તેને લગ્ન કહે છે. ગુજરાતી જન્માક્ષરમાં આ સ્થાન માં ' લગ્ન અથવા માત્ર 'લ્' અક્ષર લખેલ હોય છે. અંગ્રેજી હોરોસ્કોપ માં લગ્ન માટે 'Asc' દર્શાવેલ હોય છે.

હકીકત માં લગ્નમાં જે રાશી હોય તેના આધારે કુંડળી માં જુદા જુદા ગ્રહો યોગ કારક બનતા હોય છે તેથી માત્ર સ્થાન ને આધારે મંગળ ને નુકસાન કારક કે ભયંકર ગણવું સાવ ભૂલ ભરેલ કહી શકાય. આ વિષે થોડી જાગૃતિ કેળવાય તે હેતુ થી અહી જુદી જુદી રાશી નાં લગ્ન વાળી કુંડળીમાં મંગળ ની મહત્તા સમજાવવા પ્રયાસ કરેલ છે.

હવે તમને કોઈ જ્યોતિષી કહે કે તમને મંગળ નડે છે તો તમારે ગભરાઈ જવાની જરૂર નથી - જરા તમારી કુંડળી માં જોઈ ચકાસી લો કે તમારા લગ્નની જે રાશી છે તેના માટે મંગળ કેવું ફળ આપનાર બને છે ?

લગ્નની રાશી લગ્નસ્થાન માં આંકડા મારફતે દર્શાવવામાં આવે છે. જેમ કે લગ્નમાં ૧ નો અંક લખેલ હોય તો તમારું મેષ લગ્ન છે ૨ હોય તો વૃષભ, ૩ હોય તો મિથુન વગેરે સમજવાનું છે. છાપામાં જે રાશી ભવિષ્ય આવે છે તે ચંદ્ર ની રાશી હોય છે તેની સાથે લગ્ન ની રાશી ની ભેળસેળ થઇ જાય નહિ તે ધ્યાન રાખવું .

http://www.gujjoojyotish.com/mars2